ઇતિહાસ – નેતાજીની મોતનું રહસ્ય

નેતાજીની મોતનું રહસ્ય અમર છે

ફૈઝાબાદના સિવિલ લાઇન્સ વિસ્તારમાં રામ ભવન આવેલું છે. ૧૬ સપ્ટેમ્બર ૧૯૮૫ પહેલાં ભાગ્યે જ તેના વિશે કોઇ જાણતું હતું. સાધુ જેવા દેખાતા એક બુઝુર્ગ ત્યાં લાંબા સમયથી રહેતા હતા. આસપાસ રહેતા લોકોને તેના વિશે કોઇ જાણકારી નહોતી. તેમના મૃત્યુ પછી તેમના ઓરડામાં ખાખાખોળા કરવામાં આવતાં લોકોની આંખો પહોળી થઇ ગઇ, અનેક એવી ચીજો મળી જેનું સીધુ કનેકશન નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે હતું.

ત્યાંથી નેતાજીની પારિવારિક તસવીરો, આઝાદ હિંદ ફોજની વર્દી, જર્મન, જાપાની તથા અંગ્રેજી સાહિત્યના અનેક પુસ્તકો અને નેતાજીના મોત સંબંધિત સમાચારના કટિંગ્સ મળી આવેલા. એ ઉપરાંત પણ બીજા ઘણા બધા દસ્તાવેજો ત્યાંથી મળ્યા. તેના આધારે એક મોટા વર્ગે દાવો કર્યો કે આ કોઇ આમ બુઝુર્ગ નહીં પણ ખુદ નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા.

નેતાજી સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ ભારતના સર્વકાલીન રહસ્યોમાંનું એક છે. ફૈઝાબાદના આ સાધુનો કિસ્સો બહાર આવ્યા પછી સુભાષબાબુની ગુમનામીનું રહસ્ય ઉકેલાવાને બદલે વધારે ઘટ્ટ બન્યું, વધારે ગુંચવાયું. કેટલાક લોકો એવું માનતા હતા કે તેમનું મોત વિમાન દુર્ઘટનામાં થયું છે, તો કેટલાકને લાગતું હતું કે તેઓ કોઇ મોટા રાજકીય ષડયંત્રનો શિકાર બન્યા છે. અત્યાર સુધીમાં તેમના વિશેની સેંકડો વાતો બહાર આવી છે પરંતુ તેઓ કેવી રીતે ગાયબ થયા, અને ક્યાં ગયા તેનો ભેદ આજની તારીખે પણ અકબંધ છે.

હજુ પણ પ્રચલિત માન્યતા એ જ છે કે તેમનું મૃત્યુ હવાઇ દુર્ઘટનામાં થયું. આજથી ૭૫ વર્ષ પહેલાં એટલે કે ૧૮મી ઓગસ્ટ ૧૯૪૫ના રોજ તાઇવાન નજીક એક હવાઇ દુર્ઘટનામાં. ભારત સરકારના દસ્તાવેજોમાં તથા ઇતિહાસના કેટલાક પુસ્તકોમાં આ જ કારણ બતાવાયું છે. કહેવાય છે કે છેલ્લી વખત તેઓ ટોક્યો એરપોર્ટ જ જોવા મળ્યા હતા, ને ત્યાંથી વિમાનમાં બેઠેલા જે તેમનું અંતિમ ઉડ્ડયન બની રહેલું.

બે અલગ-અલગ બાબતો છે જેના કારણે આ દાવા પર શંકા જાય છે. પહેલું તો એ કે નેતાજીનું શબ ક્યાંયથી મળી આવ્યું નથી. અને બીજું, જે દિવસે વિમાન દુર્ઘટનામાં નેતાજીનું મોત થયું હોવા વિશે કહેવાય છે એ દિવસે તાઇવાનમાં કોઇ વિમાન અકસ્માત થયો જ નહોતો. ખુદ તાઇવાન સરકારના દસ્તાવેજોમાં આવી કોઇ ઘટના ઘટી હોવાનો ઉલ્લેખ નથી. તેમનું મૃત્યુ બીજી કોઇ રીતે થયું હોવાનું માનવામાં આવે છે. એ વાત અલગ છે કે તેમની દીકરી અનિતા બોઝ વિમાન દુર્ઘટનામાં મોત થયું હોવાના દાવાને સાચો માને છે. તેઓ સુભાષચંદ્ર બોઝનું એક માત્ર સંતાન છે અને હાલ જર્મનીમાં રહે છે. અનિતાના માતા અને બોઝ બાબુના પત્ની ઓસ્ટ્રિયન હતા. તેમનું નામ એમિલિ શેન્કલ. જો કે તેમના માની જવાથી શંકાનું નિરસન થઇ જતું નથી.

નેતાજીના સાથીદાર કર્નલ હબીબુર રહેમાન આઝાદ હિંદ સરકારના માહિતી પ્રધાન એસ. એ. નૈયર ઉપરાંત રશિયન અને અમેરિકન જાસૂસોએ શાહનવાઝ સમિતિ સામે અલગ-અલગ નિવેદનો આપ્યા હતા. જે નેતાજીનું મૃત્યુ કોઇ બીજી રીતે થયું હોવાની શંકાને બળવાન બનાવે છે.

કેટલાક લોકો એવું માને છે કે તેમનું મૃત્યુ કોઇ રાજકીય ષડયંત્ર અંતર્ગત થયેલું. આ બાબતે બે સંભાવના વ્યક્ત કરાઇ છે. એક સંભાવના એવી છે કે બ્રિટિશ સરકારે તેમના ગુપ્ત એજન્ટોની મદદથી તેમની હત્યા કરેલી. બીજી સંભાવના એવી મનાય છે કે રશિયાએ નેતાજીની હત્યા કરાવેલી.

રામ ભવનમાં સાધુ જેવા જે વૃદ્ધ રહેતા હતા તેઓ ગુમનામી બાબા અને ભગવાનજીના નામથી પ્રસિદ્ધ છે. તેમની પાસેથી જે દસ્તાવેજો મળ્યા છે તેના આધારે ઘણા લોકો એવું માને છે કે ભારત આઝાદ થયા પછી નેતાજી વેશપલ્ટો કરીને ફૈઝાબાદમાં રહેલા. તેઓ ૭૦ના દશકની આસપાસ ફૈઝાબાદ આવ્યા હોવાનું કહેવાય છે. આઝાદ હિંદ ફોજમાં સામેલ ઘણાં બધા સૈનિકો અને અધિકારીઓ પણ અનેક વખત દાવો કરી ચૂક્યા છે કે નેતાજી ભારત આઝાદ થયું તે પછી પણ જીવિત હતા. તેમણે તેમની સાથે ગુપ્ત મુલાકાત કરી હોવાનો દાવો પણ કરેલો.

જો તેઓ આઝાદી પછી પણ જીવિત હતા તો જાહેરમાં કેમ ન આવ્યા? તેની બે તેના બે કારણ હોઈ શકે. (૧) ભારત સરકારે બ્રિટન સાથે એવો ગુપ્ત કરાર કર્યો હોઇ શકે કે નેતાજી પરત ફરે તો તેમને બ્રિટનને સોંપી દેવામાં આવશે. (૨) ભારત સરકાર આવું ન કરે તો પણ સંભવ છે કે મિત્ર રાષ્ટ્રોના ગુપ્તચરો તેમની હત્યા કરી નાખે. આવું કશું લેખિતમાં મળી આવતું નથી.

તેમની ગુમશુદગીનું રહસ્ય ઉકેલવા ભારત સરકાર અત્યાર સુધીમાં ત્રણ સમિતિનું ગઠન કરી ચૂકી છે. દુર્ભાગ્યે ત્રણે સમિતિના અહેવાલ પછી પણ કોઇ તારણ પર પહોંચી શકાયું નથી. સૌથી પહેલી સમિતિની રચના ૧૯૫૬માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ શાહનવાઝ ખાનના નેતૃત્વમાં કરેલી. એ સમિતિ એવા તારણ પર પહોંચેલી કે નેતાજીનું મૃત્યુ ૧૮મી ઓગસ્ટ ૧૯૪૫ના રોજ વિમાન દુર્ઘટનામાં થયેલું.

સમિતિના સદસ્ય રહેલા સુભાષ બાબુના ભાઇ સુરેશચંદ્ર બોઝે આ તારણને ફગાવી દઇને આરોપ મૂક્યો કે સરકાર કથિત વિમાન દુર્ઘટનાને જાણીજોઇને સત્ય તરીકે પ્રસ્તુત કરી રહી છે. ત્યારબાદ ૧૯૭૦માં ન્યાયમૂર્તિ જી. ડી. ખોસલાની અધ્યક્ષતામાં વધુ એક સમિતિની રચના થઇ. એ આયોગે પણ તેની પૂર્વવર્તી સમિતિના માર્ગે ચાલીને વિમાન દુર્ઘટનાવાળી થિયરી પર જ સત્યની મ્હોર મારી.

૧૯૯૯માં ત્રીજી સમિતિ બની, સર્વોચ્ચ ન્યાયાલયના ભૂતપૂર્વ ન્યાયાધિશ મનોજ મુખરજીની અધ્યક્ષતામાં બનેલા આ આયોગે પૂર્વેની બંને સમિતિઓ કરતાં ઊલટો રીપોર્ટ આપ્યો. તેમાં એવું જણાવાયેલું કે નેતાજીના મૃત્યુનું કારણ વિમાન દુર્ઘટના નથી, પરંતુ બીજું કોઇ છે, જેની તપાસ કરવાની આવશ્યકતા છે. ૨૦૦૬માં આવેલા આ રીપોર્ટને તત્કાલીન સરકારે ફગાવી દીધેલો. એપ્રિલ ૨૦૧૫માં આઇબીની બે ફાઇલો સાર્વજનિક બનતા ફરીથી વિવાદ થયો. તે ફાઇલોમાં જણાવાયા પ્રમાણે આઇબીએ આઝાદી પછી બે દાયકા સુધી નેતાજીના પરિવારની જાસૂસી કરેલી.

એ જાસૂસીનો ઉદ્દેશ શું હતો તે કોઇ જાણતું નથી. કોંગ્રેસના વિરોધીઓ એવું કારણ આપે છે કે તે જવાહરલાલ નહેરૂના ઇશારે કરવામાં આવેલી, તેને નેતાજીના જીવિત હોવાના વિશે ડર હતો અને ડર હતો કે ક્યાંક તેઓ સામે આવી જશે તો પડકારરૂપ બની જશે. ૨૦૧૫માં આરટીઆઇ એક્ટિવિસ્ટ સુભાષ અગ્રવાલે સુભાષચંદ્ર બોઝના મૃત્યુ સાથે મૃત્યુ સંબંધિત ગુપ્ત ફાઇલોને સાર્વજનિક કરવાની માગણી કરેલી. સરકારે જવાબ આપ્યો કે એ ફાઇલો જાહેર કરવાથી ભારતના અન્ય દેશો સાથેના સંબંધો ખરાબ થઇ શકે છે. સરકારની આવી સ્પષ્ટતાએ નવી શંકા જન્માવી. શું નેતાજીના મૃત્યુમાં ભારતના મિત્ર એવા કોઇ દેશનો હાથ હતો?

સુબ્રહ્મણ્યમ સ્વામી જેવા કેટલાક લોકો દાવો કરે છે કે સુભાષબાબુની હત્યા રશિયાએ કરાવેલી. બીજા વિશ્વ યુદ્ધમાં આઝાદ હિંદ ફોજની હાર પછી નેતાજી રશિયા પહોંચેલા. નહેરુના કહેવાથી સ્ટાલિને તેમને બંદી બનાવેલા અને સાઇબિરિયામાં તેમને ફાંસી આપી દેવામાં આવેલી. તેમના પ્રપૌત્રી રાજ્યશ્રી ચૌધરી પણ આવો જ દાવો કરી રહ્યા છે. આ દાવામાં શંકા એ જાય કે સ્ટાલિન અને નહેરુના સંબંધો કડવાશ ભરેલા હતા તો પછી તે નહેરુની વાત શા માટે માને? સ્વામી એ જ કારણનો આધાર આપીને આગળ કહે છે કે નહેરુને સ્ટાલિન પર વિશ્વાસ નહોતો એટલે જ નેતાજીના મૃત્યુના સમાચાર મળ્યા પછી પણ તેમણે તેમના પરિવારની જાસૂસી ચાલુ રખાવેલી.

૨૦૧૫માં પશ્ચિમ બંગાળની સરકારે નેતાજીના મૃત્યુ સાથે જોડાયેલી કેટલીક ગુપ્ત ફાઇલો સાર્વજનિક કરી અને ૨૦૧૬માં કેન્દ્ર સરકારે. તે પછી પણ આ રહસ્ય ઉકેલાય શક્યું નથી. પશ્ચિમ બંગાળ સરકારે જાહેર કરેલી ૬૪ ફાઇલમાંથી એકમાં લખ્યું છે કે ભારતની ગુપ્તચર એજન્સીઓને બોઝબાબુ જીવિત હોવાનો તથા રશિયામાં હોવાનો શક હતો. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ફાઇલોમાં ૧૯૪૫ બાદ તેઓ રશિયામાં રોકાયા હોવાની કોઇ માહિતી ઉપલબ્ધ નથી.

મે ૨૦૧૭માં કેન્દ્ર સરકારે આરટીઆઇ અંતર્ગત પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહેલું, સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ સાલ ૧૯૪૫માં તાઇવાનમાં વિમાન દુર્ઘટનામાં થયેલું. ટૂંકમાં મોદી સરકાર પણ એ જ તારણ પર આવી જ્યાં નહેરુ સરકાર પહોંચી હતી. મોદી સરકારના આ જવાબથી સુભાષચંદ્ર બોઝનો પરિવાર નારાજ થયો. તેમના પ્રપૌત્ર ચંદ્રબોઝનું કહેવું હતું કે કોઇ ઠોસ પુરાવા વિના સરકાર આવો દાવો કઇ રીતે કરી શકે? ટૂંકમાં ૭૫ વર્ષ સુધી કસરત કર્યા પછી પણ નેતાજીના મૃત્યુનું રહસ્ય જેમનું તેમ છે.
નેટવર્ક – શતદલપુર્તિગુજરાત સમાચાર

Related Posts